Sat Dec 13 2025

Logo

White Logo

195 પાકિસ્તાની હિંદુઓનું સપનું સાકાર: : અમદાવાદમાં CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો એનાયત

9 hours ago
Author: Mayur Kumar Patel
Video

અમદાવાદઃ રાજ્યમાં 195 લોકોને સીએએ અંતર્ગત ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 122 લોકોને સ્થળ પર જ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું, જ્યારે 73 લોકોએ પહેલાંથી કલેકટર ઓફિસમાં નાગરિકતા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

હર્ષ સંઘવીએ તમામ નાગરિકોનું સ્વાગત કરતાં કહ્યું કે, હસો, કારણ કે હવે તમે ભારતના નાગરિકો છો. આટલી મોટી સંખ્યામાં નાગરિકતા પ્રમાણપત્ર આપવાનું દ્રશ્ય કદાચ કોઈ રાજ્યમાં જોવા મળશે. પાકિસ્તાનમાં અનેક લઘુમતી સમુદાય અને જાતિઓ છે. તેમની દાયકાઓથી સ્થિતિ મુશ્કેલ છે, આ લોકોની સુરક્ષા અને જીવન બંને ખતરામાં છે. આવા લોકોને ભારતમાં આશ્રય આપીને નવું જીવન શરૂ કરવાની કોશિશ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હર્ષ સંઘવીએ કહ્યું, નાગરિકતા પ્રમાણપત્રથી સ્થળાંતરિત થયેલા લોકો દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈને શક્તિશાળી રાષ્ટ્ર ભારતના કાયમી નાગરિક બનશે. આ માત્ર નાગરિકતા પ્રમાણપત્ર નથી પણ ભારતીય નાગરિક હોવાનું ગૌરવ છે. ભારતે નાગરિકતા પ્રમાણપત્ર દ્વારા વિશ્વ બંધુત્વ અને કરુણાનો સંદેશ આપ્યો છે.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઘણા વર્ષોથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને ભારત માના ખોળે આવેલા 195 પરિવારના અરજદારોને અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતના "નાગરિકતા પ્રમાણપત્ર" એનાયત કર્યા. ભારત એટલે સ્વીકારનો પર્યાય અને ભારતને પોતાનું કાયમી નિવાસ બનાવવા સંકલ્પબદ્ધ થયેલા આ પરિવારોનો ભારત પ્રત્યેનો આદર અને સમર્પણ આ સ્વીકારનું પ્રમાણ છે.

ભારતીય નાગરિકતા મેળવનારા લોકોએ શું કહ્યું?
કાર્યક્રમમાં નાગરિકતા મેળવનાર લોકોએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા. ડૉક્ટર મહેશકુમાર પુરોહિત, જેઓ 1956માં પાકિસ્તાનથી ભારત આવ્યા હતા તેમણે કહ્યું કે ભારતીય પાસપોર્ટ ન મળવાને કારણે તેઓ વિદેશમાં રહેતી પોતાની દીકરીને મળી શકતા ન હતા. તેમણે કહ્યું, આજનો દિવસ મારા જીવનનો સૌથી મહત્ત્વનો દિવસ છે. 

CAA  આવ્યા પછી એપ્રિલ 2025માં મને નાગરિકતા મળી અને ત્યાર બાદ પાસપોર્ટ બન્યો. ત્યારે જ હું દીકરીને મળી શક્યો. એ જ રીતે, એન્જિનિયર પૂજા અભિમન્યુએ કહ્યું કે, ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર માત્ર એક કાગળ નથી, પરંતુ અમારું જીવન છે. અમે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના આભારી છીએ.