અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરાંની ગણતરી કરવામાં આવનારી હતી. પરંતુ તેમાં એક મોટું વિધ્ન આવ્યું છે. કોર્પોરેશને આ માટે બહાર પાડેલા ટેન્ડરમાં કોઈએ બોલી જ લગાવી નથી. જેના પરિણામે કોર્પોરેશનને હવે 30 લાખનું ટેન્ડર ફરીથી બહાર પાડવાની ફરજ પડી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરમાં રખડતાં આશરે 2.10 લાખ કૂતરાંની વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી કરવાનો છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર હતી પરંતુ કોઈ એજન્સીએ રસ દાખવ્યો નહતો.
સુપ્રીમ કોર્ટમાં 13 જાન્યુઆરીએ શાળાઓ, હોસ્પિટલો અને ટ્રાન્સપોર્ટ હબમાંથી રખડતા કૂતરાંને હટાવવાની મહત્વની અરજી પર સુનાવણી કરવાની છે, ત્યારે બીજી તરફ AMCના ટેન્ડરમાં એક પણ બિડ આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ આગામી સમયમાં જાહેર આરોગ્ય માટે ગંભીર કટોકટી સર્જી શકે છે. ચિંતાજનક બાબત એ છે કે જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 વચ્ચે અમદાવાદમાં કુલ 66,136 લોકોને કૂતરાંએ બચકા ભર્યા છે. આ આંકડાએ આરોગ્ય વિભાગ અને વાલીઓમાં ફાળ ફેલાવી હતી.
50,000માંથી માત્ર 18,962 પાલતુ કૂતરાંનું રજિસ્ટ્રેશન
અમદાવાદમાં અંદાજે 50,000 થી વધુ પાલતુ કૂતરાં છે, પરંતુ નોંધણીના મામલે લોકો ઉદાસીન છે. 31 ડિસેમ્બર,2025 સુધીમાં માત્ર 18,962 પાલતુ કૂતરાંની જ નોંધણી થઈ છે. AMCએ નોંધણી ફી 200 રૂપિયાથી વધારીને તબક્કાવાર 2,000 રૂપિયા કરી હોવા છતાં લોકો નોંધણી કરાવતા નથી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, રસીકરણ પછી શ્વાનને તે જ વિસ્તારમાં પાછા છોડી શકાય નહીં. તેમને ચાર દિવસ નિરીક્ષણ હેઠળ રાખવા પડે છે. AMC પાસે હાલમાં માત્ર 5 શેલ્ટર હોમ છે, જેની કુલ ક્ષમતા માંડ 500 કૂતરાની છે. સૂત્રોના કહેવા મુજબ કૂતરાંને ઢોરની જેમ સમૂહમાં રાખી શકાતા નથી કારણ કે તેઓ અંદરોઅંદર લડે છે, જેના કારણે તેમને અલગ પાંજરામાં રાખવા મુશ્કેલ બને છે.
લાંભા અને વસ્ત્રાલમાં નવા શેલ્ટર હોમ
સ્થિતિને પહોંચી વળવા માટે AMC લિંભા અને વસ્ત્રાલમાં નવા શેલ્ટર હોમ બનાવી રહી છે, જેની ક્ષમતા 200 કૂતરાંની હશે. એક સુવિધા જાન્યુઆરી 2026 સુધીમાં અને બીજી માર્ચ 2026 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.