મુંબઈ: ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ 227 સભ્યની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની 15 જાન્યુઆરીએ આયોજિત ચૂંટણીમાં 150થી વધુ બેઠક જીતવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે એવી રજૂઆત મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે જાહેરાત કરી હતી. મુંબઈમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ચૂંટણી પછી મુંબઈમાં મરાઠી મેયર હશે. ચાર વર્ષના વિલંબ પછી ચૂંટણી થઈ રહી છે.
'અમે મહાયુતિ ફોર્મ્યુલા અને કોને કેટલી બેઠક એ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપ્યું છે' એમ જણાવી શેલારે કહ્યું હતું કે 'અમારું લક્ષ્ય 150થી વધુ બેઠકો જીતવાનું છે. મંગળવારે યોજાયેલી મહાયુતિ નેતાઓની બેઠકમાં આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ચર્ચાને આગળ વધારવા માટે આગામી કેટલાક દિવસોમાં ફરીથી બેઠક કરીશું.'
શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના, શેલારે ટિપ્પણી કરી હતી કે કેટલાક લોકોએ પહેલાથી જ પોસ્ટરો મૂકી [પાલિકા ચૂંટણીઓમાં હાર સ્વીકારી લીધી છે. મુંબઈના નાગરિકોએ આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં પરિવર્તનને સ્વીકારવાનો નિર્ણય લીધો છે.' શેલારે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના દાવાઓને ખોટા ગણાવીને નકારી કાઢ્યા હતા.
શેલારે એનસીપીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક સાથે કોઈ પણ ગઠબંધનને નકારી કાઢી જણાવ્યું હતું કે 'અમે નવાબ મલિક સાથે કોઈ ગઠબંધન નહીં કરીએ અને મેં આ વાત એનસીપીના નેતાઓને સ્પષ્ટપણે જણાવી દીધી છે.' એનસીપી મહાયુતિ ગઠબંધનનો ઘટક છે જેમાં ભાજપ અને શિવસેનાનો સમાવેશ થાય છે.
(પીટીઆઈ)