મુંબઈ: હાર્બર લાઈનમાં આજે પનવેલ રેલવે સ્ટેશન નજીક બપોરે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે વ્યસ્ત મુંબઈ-ગોવા રૂટ પર રેલ સેવાઓ પ્રભાવિત થઇ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું .
પનવેલ રેલવે સ્ટેશન નજીક એક ક્રોસિંગ પોઈન્ટ પર બપોરે 12.28 વાગ્યે આ ઘટના બની હતી. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) જતી માલગાડીની એક ટ્રોલી પ્લેટફોર્મ નંબર પાંચ પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ કલાક પછી ટ્રેન વ્યવહાર શરુ થયો હતો, પરંતુ એને કારણે લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર થઈ હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.
આ ઘટનાના કારણે મુંબઈ-ગોવા અને મુંબઈ-પનવેલ-કર્જત રૂટ પર ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. પનવેલ રેલ્વે સ્ટેશન મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી લગભગ 50 કિમી દૂર આવેલું છે.
પીટીઆઈ