Tue Dec 16 2025

Logo

White Logo

પશ્ચિમ બંગાળના 58 લાખ મતદારોના : નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાતા ખળભળાટ!

5 hours ago
Author: Mayur Patel
Video

કોલકાતા:  ભારતીય ચૂંટણી પંચ દ્વાારા આજે પશ્ચિમ બંગાળની ડ્રાફ્ટ મતદારી યાદી જાહેર કરવામાં આવી હતી.  જેમાં મૃત્યુ, સ્થળાંતર અને ગણતરી ફોર્મ જમા ન કરવા સહિતના વિવિધ કારણોસર 58 લાખથી વધુ મતદારોના નામ કપાતા ખળભળાટ મચી ગયો હતો. સત્તાવાર ડેટા અનુસાર, આ કાપકૂપ પછી રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદીમાં 7,08,16,631 મતદારોના નામ રહેવાની અપેક્ષા છે, જે SIR પહેલાંની 7,66,37,529 મતદારોની સંખ્યા કરતાં 58,20,898 ઓછા છે.

આગામી વર્ષની શરૂઆતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની સંભાવના હોવાથી, ડ્રાફ્ટ યાદીઓ, કાઢી નાખવામાં આવેલા મતદારોની બૂથ-વાઇઝ વિગતવાર યાદી અને કાઢી નાખવાના કારણો સાથેની માહિતી પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની વેબસાઇટ, ચૂંટણી પંચના મતદાર પોર્ટલ અને ECINET એપ્લિકેશન પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, મતદારોની વાંધા અરજીની સુનાવણીની પ્રક્રિયા લગભગ એક સપ્તાહમાં શરૂ થશે. ડ્રાફ્ટ યાદીના પ્રકાશન અને સુનાવણી શરૂ થવા વચ્ચેનો સમયગાળો સુનાવણીની નોટિસો છાપવા, સંબંધિત મતદારોને તે મોકલવા અને EC ડેટાબેઝ પર તેનું ડિજિટલ બેકઅપ બનાવવામાં લાગશે. 4 નવેમ્બરથી શરૂ થયેલી અને 11 ડિસેમ્બરે પૂર્ણ થયેલી SIR કવાયત દરમિયાન મતદારોના ભાવિ અંગેની અઠવાડિયાની રાજકીય ચિંતા અને જાહેર અનિશ્ચિતતા પછી આ યાદી પ્રકાશિત થઈ છે.

કમિશનના જણાવ્યા અનુસાર, કાઢી નાખવામાં આવેલા મતદારોની યાદીમાં એવા નામોનો સમાવેશ થાય છે જે જાન્યુઆરી 2025ની મતદાર યાદીમાં હતા પરંતુ SIR પછીની ડ્રાફ્ટ યાદીમાં દેખાતા નથી. આ રદ થયેલા મતદારોની યાદી એક અલગ પોર્ટલ પર મૂકવામાં આવી છે, જેનાથી મતદારો પોતાના કે પરિવારના સભ્યોના નામ કઈ શ્રેણી હેઠળ દૂર થયા છે તે ચકાસી શકે છે.

પશ્ચિમ બંગાળ SIRની મુખ્ય વિગતો

24,16,851 મતદારો મૃત
19,88,079 મતદારોનું કાયમી સ્થળાંતર
12,20,038 મતદારો નોંધાયેલા સરનામે ગેરહાજર
1,38,000  મતદારોની ડુપ્લિકેટ તરીકે ઓળખ
1,83,328 ઘોસ્ટ મતદારો તરીકે ઓળખ
વિવિધ જટિલતાના કારણે 57,000થી વધુ નામો રદ 
કુલ 58,20,898 મતદારોના નામ રદ

પશ્ચિમ બંગાળના મતદારો ડ્રાફ્ટ મતદાર યાદી ceowestbengal.wb.gov.in/Electors અને voters.eci.gov.in પરથી ચકાસી શકે છે. કાઢી નાખેલા મતદારોની યાદી ceowestbengal.wb.gov.in/asd_sir પરથી જોઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં SIR ની કાર્યવાહીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આક્રમક છે. જેમાં તેમણે SIR ના વિરોધમાં રેલી યોજી હતી. આ રેલીમાં મમતા બેનર્જીએ SIR પર નિશાન સાધ્યું હતું. સીએમ મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં SIR કરાવવાના કાવતરા પાછળ ગૃહ પ્રધાન અમિત શાહનો હાથ છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં SIR શરૂ કરીને ભાજપે પોતાની કબર ખોદી છે.