Thu Dec 11 2025

Logo

White Logo

મહારાષ્ટ્ર વિધાનસભામાં આઈએએસ અધિકારી : તુકારામ મુંઢે સામે કાર્યવાહીની માગણી અને હોબાળો

1 day ago
Author: Vipul Vaidya
Video

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે ભાજપના વિધાનસભ્યોએ આઈએએસ અધિકારી તુકારામ મુંઢે સામે આરોપો લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહીની માગણી કર્યા બાદ સત્તાધારી અને વિપક્ષી બેન્ચ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી.  આ ધમાલને પગલે ગૃહની કાર્યવાહી 10 મિનિટ માટે મોકૂફ રાખવામાં આવી હતી.  ગૃહમાં આ મુદ્દો ઉઠાવતા ભાજપના વિધાનસભ્ય કૃષ્ણા ખોપડેએ આરોપ લગાવ્યો કે 2020માં મુંઢેએ જરૂરી પરવાનગી વિના 20 કરોડ રૂપિયાના ચેક જારી કર્યા હતા.

‘મુંઢેના બે સમર્થકોએ મને ધમકી આપી હતી, જો હું તેમની વિરુદ્ધ બોલું તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. મેં સીતાબર્ડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ કમિશનર તેમજ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયને આ પ્રકરણની જાણ કરી છે,’ એમ ખોપડેએ જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે 20 વર્ષની સેવામાં આ વિવાદાસ્પદ અધિકારીની 24 વખત બદલી કરવામાં આવી છે અને તેમના વર્તનની વિગતવાર તપાસની માગણી કરી હતી. 

મુંઢે હાલમાં દિવ્યાંગ કલ્યાણ વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ખોપડેના દાવાને સમર્થન આપતા ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દટકેએ કહ્યું હતું કે, ‘મુંઢેએ એક મહિલા કર્મચારીની રજા રદ કરી હતી જ્યારે તેણે માત્ર પાંચ દિવસ પહેલા બાળકને જન્મ આપ્યો હતો. નગર વિકાસ વિભાગે પણ તેમના ઘણા નિર્ણયો રદ કર્યા હતા. આ અંગે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.’આ આરોપોનો જવાબ આપતા પ્રધાન ગિરીશ મહાજને ગૃહને એવી માહિતી આપી કે સંબંધિત વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે આ બાબતે ચર્ચા કરી છે.