Logo

White Logo

દેશ વિદેશ

રૂપિયામાં ચંચળતા ડામવા : રિઝર્વ બૅન્કે ઑગસ્ટમાં 7.7 અબજ ડૉલર ઠાલવ્યા

1 week ago
Author: Ramesh Gohil
Video


મુંબઈઃ ગત ઑગસ્ટ મહિનામાં હાજર બજારમાં ડૉલર સામે રૂપિયામાં વધેલી ચંચળતા અને ગબડતાં રૂપિયાને અટકાવવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ 7.7 અબજ ડૉલરનું વેચાણ કર્યું હતું. 
રિઝર્વ બૅન્કે તાજેતરમાં જાહેર કરેલા બુલેટિનમાં જાહેર કરેલી ડૉલરનાં ખરીદ અને વેચાણની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ મહિનામાં રિઝર્વ બૅન્કનું ડૉલરમાં ચોખ્ખું વેચાણ આગલા જુલાઈ મહિનાની સરખામણીમાં ત્રણ ગણાં કરતાં વધુ 7.69 અબજ ડૉલરની સપાટીએ રહ્યું હતું. જોકે, ગત જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રિઝર્વ બૅન્કે ડૉલરની કોઈ ખરીદી ન કરી હોવાનું ઉમેર્યું હતું. 
સામાન્યપણે રિઝર્વ બૅન્કે ડૉલર સામે રૂપિયાનાં વિનિમય દર માટે કોઈ સ્તર કે રેન્જનો કોઈ લક્ષ્યાંક નથી રાખ્યો એવું વલણમાં સ્પષ્ટતા કરી છે, પરંતુ જ્યારે રૂપિયામાં ચંચળતા વધે ત્યારે રિઝર્વ બૅન્ક બજારમાં હસ્તક્ષેપ કરતી હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત ઑગસ્ટ મહિનામાં ડૉલર સામે રૂપિયામાં 1.6 ટકાનો ઘસારો આવ્યો હતો. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં પણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધવાથી વેપાર અંગેના તણાવ અને ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોનો બાહ્ય પ્રવાહ રહ્યો હોવાથી ડૉલર સામે રૂપિયામાં નરમાઈનો જ અન્ડરટોન રહ્યો હતો.