Thu Dec 11 2025

Logo

White Logo

હત્યાનો પ્રયાસ અને દંગલના કેસમાં : 19  વર્ષ બાદ 10 જણને નિર્દોષ જાહેર કરાયા

2 days ago
Author: Yogesh D Patel
Video

થાણે: વિરોધ પ્રદર્શન દરમિયાન દંગલ અને પોલીસ કર્મચારીની હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટે 19 વર્ષ બાદ 10 જણને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અસ્પષ્ટ અને અપૂરતા છે.

એડિશનલ સેશન્સ જજ (કલ્યાણ) પી.આર. અશ્તુરકરે પોતાના આદેશમાં કહ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપીઓ સામે લગાવાયેલા કોઇ પણ આરોપ પુરવાર કરી શક્યો નથી.

તપાસકર્તા પક્ષ અનુસાર ઉત્તર પ્રદેશના કાનપુરમાં 28 નવેમ્બર, 2006ના રોજ બનેલી ‘અપ્રિય’ ઘટના 30 નવેમ્બર, 2006ના રોજ થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમાંના કેટલાકે (આરોપીઓ) ધીંગાણું કરીને ખાનગી તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત પોલીસ કર્મચારીઓ તથા અન્યો પર હુમલો પણ કર્યો હતો.

પોલીસે બાદમાં 14 લોકો સામે હત્યાનો પ્રયાસ અને દંગલ સહિત ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો ઉપરાંત બોમ્બે પોલીસ એક્ટ અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન ચાર આરોપીનાં મૃત્યુ થતાં તેમની સામેનો કેસ રદ કરવામાં આવ્યો હતો. 

જજે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ‘એવું જોઇ શકાય છે કે કોઇ પણ સ્વતંત્ર સાક્ષીદારનો કોઇ પુરાવો નથી. કોઇ ઓળખપરેડ ન યોજાઇ હોવાથી 2000થી 2,500 લોકોના ટોળામાંથી હાલના આરોપીઓની ઓળખ કેવી રીતે થઇ તે અંગે કોઇ રેકોર્ડ નથી.

કોર્ટે નિર્દોષ જાહેર કરેલા 10 જણમાં કિશોર તારાચંદ પવાર (રિક્ષાચાલક), મિલિંદ દામોદર નિકમ અને નીતિન રોહિદાસ ભાલેરાવ (બંને સિંગર), પંકજ સીતારામ બાવિસ્કર અને સંજય જાધવ (વેપારી), પરમેશ્ર્વર બાવિસ્કર અને સંજય રતન નિકમ (મજૂર), વિજય તાંબે (પેઇન્ટર), સુનીલ પ્રહ્લાદ સકપાળ (ટેલર) અને ગૌતમ ધિરવેનો સમાવેશ છે. (પીટીઆઇ)