પાલઘર: જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) સાથે સંકળાયેલા આર્થિક છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં થાણેના જવ્હારની કોર્ટે બે જણને 29 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ કેસ જાહેર બાંધકામ વિભાગ, જવ્હારના નામે કથિત રીતે જારી કરાયેલા 111 કરોડ રૂપિયાના બોગસ ચેક સાથે સંબંધિત છે.
આરોપી યજ્ઞેશ દિનકર અંભિરેએ 28 નવેમ્બરે ઉપરોક્ત ચેક બૅન્કમાં ડિપોઝિટ કર્યો હતો, પરંતુ ચેક ક્લિયર ન થતાં ક્ધસ્ટ્રકશન કંપનીના માલિક નીલેશ રમેશ પડવાલેએ એ જ ચેક ઍનકેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરોક્ત ચેક પીડબ્લ્યુડી દ્વારા જારી કરવામાં આવ્યો ન હોવાની ખાતરી થયા બાદ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી.
આથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર નીતિન ભોયેએ જવ્હાર પોલીસ સ્ટેશનમાં અંભિરે અને પડવાલે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન બંને જણની 29 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને છ દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
ત્યાર બાદ બંનેને અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી અને બાદમાં બંને જણ જામીન પર છૂટી ગયા હતા. જોકે કેસની તપાસ અધૂરી રહી હોવાથી પાલઘર જિલ્લા પોલીસની આર્થિક ગુના શાખાએ બંને જણની વધુ કસ્ટડી માટે ભિવંડી એડિશનલ સેશન્સ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. (પીટીઆઇ)